રવિવાર, 18 ઑક્ટોબર, 2009

સાલ મુબારક....


આમ તો આજે પડતર દિવસ છે. પણ અમે દીવાળી કહો કે બેસતું વર્ષ, આજે જ ઉજવી નાખ્યુ. અહિં આ લોકો ના તહેવાર પણ સેટીંગ વાળા હોય શુક્રવારે આવે કે સોમવારે એટલે તમને સળંગ ત્રણ દિવસની રજા મળી જાય. અમે પણ પડતર દિવસ જ ઉજવી નાખ્યો.

અમદાવાદની દીવાળીની વાત અલગ છે. અત્યારે એવુ લાગે કે એ વખતે જે જલસાથી દીવળીઓ ઉજવી છે એનો બદલો ચુકવી રહી હોઉં. મમ્મીના ઘરે કેટકેટલું હતું. મહિના પહેલાથી ઘરની સફાઇ. જે દિવસે રૂમની દિવાલ સાબુના પાણીથી ને ચોખ્ખા પાણીથી એમ બે વખત ધોતી એનો થાક ગમતો હતો. ઘર માટે જીણું જીણું શોપિંગ, મમ્મી જોડે સ્કૂટી પર ભર તાપમાં મણિનગર, પાનકોરનાકા, ઢાલગરવાડ ફરવાનું. જ્યારે યાદ કરુ ત્યારે વિચારોના અનંત સફર પર નીકળી જવું છું. દીવાળીના કપડાં માટે દરજીના ધક્કા, સાંજ પડતાં બજારોમાં વધી જતી ભીડ, ફટાકડા લાવવા માટેની ઉતાવળ કે પછી ચાતક્ની જેમ સ્કૂલમાં પડનારા વેકેશનની જોવાતી રાહ. હા અને મોટા થયા પછી ઓફીસમાં આવનારી રજાઓની રાહ.
ધનતેરસ. જ્વેલરીની એડ્થી ભરેલાં છાપા. કદાચ દીવાળીનાં પાંચ દિવસ છાપાંમાં કોઇ ન્યુઝ જ નહતાં આવતા. અમારા ઘરે ધનતેરસે તાવડી ના ચડે એટલે નાસ્તા આજુ બાજુના દિવસે બને (તળ્યાં વગર ગુજરાતી નાસ્તા શેના કહેવાય?) ધનની પુજા, સોનીની દુકાનની વીઝીટો. તહેવાર હોય એટ્લે બંન્ને બહેનો, જીજાજી ને બચાં પાર્ટી. બહુ યાદગાર બની રહે એવા પ્રસંગો. ધમાલ મસ્તી, ફટાકડાં.

કળીચૌદશ. શીંગના દાણે ગણાતા હનુમાન ચાલીસા. તાવડીમા શેકતો મમ્મીનો મોહનથાળ (એના હાથનો મોહનથાળ એક વાર ખાઓ તો ખાધા જ કરો. એમાં એ ઘી નહી એનો પ્રેમ રેડે છે). મોહનથાળ પછી સુખડી, તીખી જાડી સેવ, ઘુઘરાં જે પહેલાં નાની બનાવી આપતી પછી હું બનાવતી. મમ્મી કહેતી મારી કાંગરી સરસ થાય છે.ચેવડો, સાટાં, ઘારી, સુંવાળી, મઠીયા ને કેટલા બધા નાસ્તા. પણ જ્યાં સુધી આ બધા ભગવાનના દીવાળીના અન્નકુટના ના નીકળે ત્યાં સુધી ખાવાના નહી.અને આ બધુ દુધનું બને જેથી ચોખ્ખું રહે.અને રાતે દહીંવડાં. ને દીવાળીની રાહ.

દીવાળી. આ તો દિવસ જ કૈ અલગ ઉગતો હોય છે. એ દિવસે મને પર્સનલી કાળાં કપડાં પહેરવા વધુ ગમતા. નવા કપડાં પહેરી બહેનોના સાસરે મીઠાઇ આપવા જવાનું. અને બપોરથી શરુ થતી રંગોળી. એ જ દિવસે કલર લાવવા મણિનગર ધક્કા ખાવાનાં, મોટા અવાજે ગીતો સાંભળતાં થતી રંગોળી.અને સાંજ પડતાં જ દીવાથી ઘર એટલું સજાવતી. એ દિવસનું નામ દીવાળી છે એટલે કાઇ ના કરો તો પણ એ દિવસ એના પોતનામાં ખાસ છે.એટલા ફટાકડા ફુટે કે તમે પોતે બસ કહી દો.અને રાતે મોડા બહેનો જાય પછી રાતે ૧૨ વાગે રંગોળી પતે. પછી બેસતા વરસની તૈયારી શરુ થાય. રાતે ૧ વાગે છાપું આવે જે વાંચીને સુઇ જાઇએ.

બેસતુ વરસ. એ દિવસે સવાર ૫ વાગે પડે. સબરસ લઈ લો ના અવાજો. ફટાકડા જે કદાચ આખી રાત ફુટતા હશે. ને સવારે ૫ વાગે હું ને ઘનો (કાકા નો દિકરો) બોમ્બ ફોડતાં. પછી કચરો વળતા ઘરમાં અવું બોલવાનું "આળસ આળસ જજો, લક્ષ્મી લક્ષ્મી આવજો". નવી ચાદર, તકીયા.....સવારથી નવાં કપડાં, અને મહેમાનો નો કાફલો.મને સવારે ઘરે જ રહેવું ગમતું, ખાલી મંદીર જઈ આવતી. હેપ્પી ન્યુ યર, સાલ મુબારક...પગે લાગવાનું ને રોકડી મળે એ બહુ ગમતી........બહેનો આવતી. સાથે ખાતાં,બહુ સુંદર જતો એ દિવસ.

અને જે દિવસની કેટલાય સમયથી રાહ જોતાં હોવ એ દિવસ તો હાથ માંથી માટીની જેમ સરી જાય છે.હા એ દિવસે ડાયરી કાયમ લખતી. દીવાળી ત્યાં રહી ગઈ એની સાથે ડાયરી પણ રહી ગઈ.

અહીં આ સાલ દીવાળીમાં કઈ જ નથી કર્યુ. બસ બપોર ના કલાક, દોઢ કલાક આ બ્લોગ લખતાં જે સમય લાગ્યો એમાં એ દિવસો જીવી લીધા કે એવી કોશિશ કરી લીધી...........
બાય ધ વેય સાલ મુબારક.....

P.S- Rangoli in the picture above was done by me in Diwali-2007. My last diwali at "mummy na ghare".....:)