બુધવાર, 18 માર્ચ, 2009

જુનું ઘર ખાલી કરતાં


ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

જુનું ઘર ખાલી કરતાં. બાલ્મુકુન્દ દવે ની એક સુંદર અને હ્રદયસ્પર્શી ક્રુતિ. જીવનમાં દરેક જણ ને ક્યારેક તો ઘર છોડવાનો વારો આવે જ છે. કારણ ગમે તે હોય દર્દ એક જ હોય છે. ઘર જોડે જોડાયેલી અસંખ્ય યાદો, કેટલાય પ્રસંગો, ખાટામીઠા ઝઘડાઓ, નાની નાની વાતો, મોટી મોટી ચર્ચાઓ અને બીજુ ઘણુંબધુ. એક ઘર કેટલા બધાનું સાક્ષી હોય છે.

છેલ્લા છ મહિના માં ચાર ઘર ને ત્રણ દેશ બદલીશ. કોઇ પણ સ્ત્રી નું પહેલું ઘર એની માંનુ ઘર હોય છે. જુલાઇ માં એ ઘર છોડી સાસરે જતાં બહુ દુ:ખ થયુ. ૨૫ વરસ જે ઘરમાં કાઢ્યા એ છોડી ને આવી. એ અનુભવ જાણે એવો હતો કે ઝાડ ને એના મૂળિયા માંથી ઉખાડી બીજે રોપવો. સાસરું ને હૈદરાબાદ છોડતા પણ બહુ દુ:ખ થયુ. અને હવે અમેરીકા છોડતા પણ એ જ.

દરેક ઘર સાથે જોડયેલી લાગણીઓ તોડતા દરેક વખતે એ જગ્યા ના મૂળ તોડી બીજી જગ્યા એ રોપવાના હોય છે. ઘરમાં ભલે ને બે માણસ રહે કે વીસ, ઘર પ્રેમથી બને છે, લાગણી થી બને છે. અને મારા માટે યાદોથી. ઘર ખાલી કરતા હું એમાની વસ્તુઓ નહીં મારી યાદો ખાલી કરું છું. દરેક સામાન સાથે વણાયેલી લાગણીઓ ઘરમાંથી ઉલેચવાની હોય છે.

યુ.એસ ના ઘરમાં પાંચ મહીના રહી. સામાન ખાલી કરતાં ઘણી વખત એવું થતું કે કોઇ વસ્તુ રૂમમાં લેવા જઉં ને ત્યાં જ ઉભી રહી જઉ. એક સાથે ઘણા બધા પ્રસંગો આંખ સામેથી પસાર થઈ જાય. જેમ દરેક ઉંમર પોતાની સાથે એક નવો રોમાંચ, નવી મસ્તી લાવે છે છત્તા પાછળ ઘણું બધુ છુટી ગયા નું દુ:ખ રહી જાય છે. જવાની પછી બાળપણ નથી રહેતું.તેવી જ રીતે બધી જ જગ્યા પોતાની સાથે ઘણું બધુ લાવે છે છત્તા પાછળ ઘણું બધું રહી જાય છે. જેને તમે નથી યાદો તરીકે સંઘરી શકતાં કે નથી ભુલાવી શકતાં. અને એનો ભાર એનું વજન બધા સામાન કરતાં વધારે હોય છે.

અત્યારે આ ઉપરની કવિતામાં છે એવું કંઈ જ મારા ઘરમાં નથી. નથી ટપાલી આવતો કે નથી મીત્રો, મહેમાનો આવતા.

છત્તા મારા માટે મારું ઘર એટલે જ્યાં હું અને અતીત (સાથે અમારા બન્નેનો અતીત, યાદો) રહીએ એ. અમારાથી બને એ ઘર......

ગુરુવાર, 5 માર્ચ, 2009

વસંત પંચમી


વસંત પંચમી. આમ તો કયારની ગઈ અને હવે તો ફાગણ આવ્યો. અહીં યુ.એસ ની કુદરત ને નથી વસંત જોડે લેવાદેવા કે નથી ફાગણ જોડે. ભગવાને સુંદરતા દીલ દઈને આપી છે પણ જાણે એમાં જીવ પુરવાનો રહી ગયો. વસંત પંચમી એટલે જાણે કુંપળ ફુટ્યા ની વાત, જતી જતી એક ગુલાબી ઠંડી ની લહેરકી, લીમડા ની ડાળી પર બેસી બુલબુલે ગાયેલું એક સરસ મજા નું ગીત. ઠંડી માં જ્યારે ઝાડ પાન સુકાઈ ને કાંટા બની જાય છે ત્યારે વસંત જાણે એમા જીવ પૂરે છે. એવી તે કઈ જાદુ ની લાકડી કુદરત ફેરવે છે કે નિષ્પ્રાણ લાકડું એક ડાળી થઈ જાય છે.

ઠંડી જશે અને ગરમી આવશે. એક સવાલ કાયમ થી મનમાં થાય છે. ઠંડી જે ગુલાબી મોસમ છે, ખીલવાની મોસમ છે. અને ગરમી એમાંય અમદાવાદ ની ગરમી તો હાડ પીગળાવી નાખતી ગરમી હોય છે. તો પણ ઝાડ પાન ઠંડી માં કેમ સુકાઈ જાય છે અને ગરમી માં નવપલ્લવિત થાય છે. ગરમી માં એવુ તે કયુ પરિબળ છે જે એને ખીલવાની શક્તિ આપે છે. બહાર ના સંજોગો જ્યારે એની વિરુદ્ધ માં હોય છે,તાપ જ્યારે એની પરાકાષ્ઠાએ હોય છે ત્યારે હંમેશા ક્યારામાં ખીલેલા મોગરા ને જોઈ આશ્ચર્ય થાય છે.દિવસ દરમ્યાન તમે થાક થી લોથપોથ થઈ જાઓ છો ત્યારે રાત્રે અગાશીમાં આવતી રાતરાણી ની સુગંધ પ્રક્રુતિ ને સલામ કહેવાનું મન થાય એવી હોય છે.

આ જોઇને એ જ વિચાર આવતો હોય છે કે માણસે કુદરત પાસે થી કેટલું શીખવા જેવું છે. બહાર ના સંજોગો, આ દુનિયા, તમારા રસ્તા માં આવતી અડચણો ધોમ ધખતા તાપ ની જેમ તમારી વિરુદ્ધમાં જ હોય છે તમારે પોતે જ મોગરો ને રાતરાણી બનવું પડે.અને એનાથી પણ આગળ વધી જીવનમાં જો રોજ વસંત લાવીએ તો જીવન રોજ નવપલ્લવિત થાય.પણ આ દુનિયામાં રહી આ પ્રમાણે વર્તવું એ આ લખવા જેટ્લું સહેલું નથી. છત્તા આપણે આપણા, સ્વ ના ઉધાર માટે જીવનમાં રોજ વસંત આણવી જ રહી.